Need any help? Call On : +91 72030 25755
માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામના સ્થાપક શ્રી વિઠ્ઠલભાઈ માઁ વિશ્વંભરીના કૃપાપાત્ર એટલે કે માઁએ આપેલા બિરુદ પ્રમાણે મહાપાત્ર બન્યા, તેની પાછળ એક પ્રેરણાદાયક કથા જોડાયેલી છે. તેની પાછળ તેમની જીવન જીવવાની પધ્ધતિનો મોટો ફાળો રહ્યો છે. તેમના જીવનની શરૂઆતથી અત્યાર સુધીની ઘટમાળને નિહાળવામાં આવે તો તેમના દિવ્ય વ્યક્તિત્વની ઝલક મળી શકે છે.
ગુજરાત રાજ્યના નાનકડા ગામમાં રહેતા વ્યવસાયે ખેડૂત પિતા નાગજીભાઈ અને માતા લાડુબહેનના તેઓ એકના એક પુત્ર, તેમનો જન્મ ઈ.સ. ૧૯૬૯માં વૈશાખ સુદ અખાત્રીજના દિવસે થયો હતો. નાનપણથી જ તેમને નવું નવું જાણવાની હોંશ હતી. હંમેશાં તેમનામાં સંશોધન કરવાની ઈચ્છા હતી. એટલે બાળપણથી જ તેમની જીવન જીવવાની પદ્ધતિ બીજા કરતા અલગ હતી અને જીવન પ્રત્યેનો અભિગમ અન્ય કરતા અનોખો હતો.
શ્રી વિઠ્ઠલભાઈ પોતાનું કર્મ ઉત્તમ રીતે કરતાં કરતાં પરમ શક્તિની આરાધના પણ કરતા હતા. આપણાં તમામ દેવી-દેવતાઓમાં સર્વશ્રેષ્ઠ-સર્વોચ્ચ કોણ એ જાણવું અને એમનાં દર્શન કરવાં એ એમનું પરમ લક્ષ્ય હતું. એમનાં સત્કર્મોની સુવાસ બ્રહ્માંડમાં પ્રસરી ચૂકી હતી. ત્યાં સુધી કે માઁ વિશ્વંભરી સ્વયં પૃથ્વી પર પધારવા માટે એમને નિમિત્ત બનાવે છે. માઁ પહેલા તો આ માનવશ્રેષ્ઠની આકરી અને અઘરી સત્તર કસોટીઓ કરે છે. આ કસોટીઓમાં આર્થિક, સામાજિક, શારીરિક, ક્રોધ, ધીરજ, સહનશીલતા, મોહ, માયા, લોભ, લાલચ, શૂરવીરતા, નીડરતા અને ચારિત્ર્યની કસોટીઓનો પણ સમાવેશ થાય છે.
સુવર્ણને ચળકતા પહેલા ઘણી કસોટીમાંથી પાર ઉતરવું પડે છે, તેને આગમાં શેકાવું પડે છે, હથોડીથી ટીપાવું પડે અને પછી જ તેનું મૂલ્ય અંકાય છે. આવું જ શ્રી વિઠ્ઠલભાઈએ તેના જીવનમાં સત્તર-સત્તર કઠીન કસોટીઓ આપીને, ડગલેને પગલે અનેક સંઘર્ષો કર્યા પરંતુ શક્તિ પરની પોતાની અડગ શ્રધ્ધા તેમણે ક્યારેય છોડી નહી. પરમશક્તિના દર્શનની શ્રી વિઠ્ઠલભાઈની મનોકામના એટલી તીવ્ર અને સાચા દિલની હતી કે માઁએ તેમની કરેલી અઘરી અને આકરી ૧૬ પ્રકારની કસોટીમાંથી તેઓ પાર ઊતર્યા. એટલુંજ નહીં તારીખ ૦૬-૦૯-૧૯૯૯ના દિવસે માઁએ ૧૮ વર્ષની મોહિનીના સ્વરૂપે, મુનિવરો પણ ડગી જાય તેવી એમના ચારિત્ર્યની અંતિમ સત્તરમી અગ્નિપરિક્ષા કરી એમાંથી પણ તેઓ પવિત્ર રહીને પાર ઊતર્યા. એટલે માઁ પંચકર્મી રથમાં પોતાના મૂળ સ્વરૂપે પ્રગટ થઈને તેમને સાક્ષાત દર્શન આપ્યા અને તેમને "મહાપાત્ર"નું બિરુદ આપ્યું અને ૪૫ મિનીટ તેમની સાથે વાત કરી હતી. આ દરમ્યાન માઁ મહાપાત્રને કહે છે કે "હે મહાપાત્ર, તું મારી તમામ કસોટીઓ માંથી પાર ઊતર્યો છે, જેનાથી હું અતિ પ્રસન્ન થઇ છું. તારું અનેક જન્મોના કર્મનું ભાથું જમા થયેલું છે એટલે તું જે માંગે તે તને આપું." ત્યારે શ્રી મહાપાત્ર માઁને કહે છે કે હે "માઁ, હું તો કર્મયોગી છું, મારી મહેનતનું ખાવ છું, એટલે મારે કોઈ ધન-દૌલત, સુખ-સંપત્તિ કે વૈભવ એવા કોઈ ભૌતિક પદાર્થ જોઈતા નથી. પણ માઁ આ જન્મે આપ મને મળ્યા છો એટલે હું ધન્ય થયો. હું આપના ખોળામાં જ રહેવા માંગુ છું." માઁના અતિ આગ્રહ છતાં શ્રી મહાપાત્રએ પોતાને માટે કે પોતાના કુટુંબ માટે કોઈ જાતના સુખ-સંપત્તિ કે કલ્યાણની માંગણી કરી નહિ. કોઈપણ જાતના પ્રલોભનોથી દૂર રહ્યાં અને માઁ પાસે કેવળ તેમણે "સર્વશ્રેષ્ઠ માનવ" બનવાની ઈચ્છા પ્રગટ કરી.
સર્વ જગતનું કલ્યાણ થાય તેવી યુક્તિ બતાવવા શ્રી મહાપાત્ર માઁ પાસે ઈચ્છા વ્યક્ત કરે છે ત્યારે માઁ સમગ્ર માનવજાત માટે એક દિવ્ય સંદેશ આપે છે કે "અંધશ્રદ્ધા છોડી ઘર તરફ પાછા વળો અને ઘરને જ મંદિર બનાવો" અને સત્ય ધર્મ-કર્મની સર્વોચ્ચ શિખરે સ્થાપના કરો."
માઁનો સંદેશ વિશ્વના દરેક લોકો સુધી ઝડપથી પહોંચાડવા અને વૈદિક સંસ્કૃતિના કાર્યને વેગ આપવા માટે શ્રી મહાપાત્રએ એક પળનો પણ વિચાર કર્યા વગર પોતાના પરિવાર સાથે પોતાની જન્મ ભૂમિ અને જમીન મિલકતનો નિસ્વાર્થભાવે ત્યાગ કર્યો. સત્ય ધર્મ અને કર્મની સાચી દિશા જેમને પ્રાપ્ત થઇ હોય તેને દુન્યવી સંપત્તિ કે ઘરબાર, જમીન જાયદાદનો ત્યાગ કરવાનું દુઃખ હોતું નથી એ તેમણે પોતાના જીવન વ્યવહારથી જગતને સમજાવી દીધું છે. માઁના આદેશ અનુસાર વલસાડ જીલ્લાના રાબડા ગામે એક અલૌકિક ધામ બનાવવાનો નિર્ધાર કર્યો. માઁ વિશ્વંભરીના ધામના નિર્માણ કાર્યમાં શ્રી મહાપાત્રએ તન, મન અને ઘન ન્યોછાવર કરીને પોતાનાથી જ શુભ શરૂઆત કરી. શ્રી મહાપાત્ર પુરેપુરી નિષ્ઠાથી માઁએ સોંપેલ કાર્યને રાત કે દિવસ જોયા વગર આગળ વધારી રહ્યા છે. વૈશ્વિક તથા વૈચારિક ક્રાંતિની મશાલની જ્યોત પ્રગટાવી છે.
શ્રી મહાપાત્રની એ કેટલી મહાનતા કહેવાય કે માઁ પાસેથી તેમને વૈદિક વિચારધારા, સાચી ભક્તિ, મોક્ષ પ્રાપ્તિનો માર્ગ વિગેરે જે કઈ મળ્યું તે બધું માત્ર પોતાના પૂરતું સીમિત ન રાખતા, નિ:સ્વાર્થભાવે જગતને પણ આપી રહ્યા છે. શ્રી મહાપાત્ર પોતે કાંટાળા માર્ગ પર ચાલીને અનેક સંઘર્ષનો સામનો કરીને, સત્તર સત્તર કઠીન કસોટીઓમાંથી પાર ઉતરીને સાત સાત જન્મથી કોઈપણ માર્ગદર્શક કે સદ્દગુરૂ વગર શક્તિની આરાધના કરતા કરતા માઁ સુધી પહોંચ્યા તે અનુભવનું જ્ઞાન લોકોને આપીને મહાશક્તિ સુધી પહોંચવાનો એકદમ ચોખ્ખો, સરળ અને ટૂંકો માર્ગ બતાવી રહ્યા છે. પોતે જે સ્વરૂપે પંચકર્મી રથમાં માઁના સાક્ષાત દર્શન કર્યા તેવા જ સ્વરૂપની ચૈતન્ય મૂર્તિ અને પંચકર્મી રથ બનાવીને આજે જગતને માઁના દર્શન કરાવી રહ્યા છે. તેમજ લોકોને અંધશ્રદ્ધાથી દૂર કરી શ્રધ્ધા તરફ વાળી રહ્યા છે. શ્રી મહાપાત્રનું ખુદનું આચરણ, જીવન જીવવાની પધ્ધતિ જ સહુને માટે માર્ગદર્શન પૂરું પાડનારી છે. તેઓ દરેકને સત્ય ધર્મ અને કર્મની સમજણ આપી, સત્યના માર્ગ પર ચાલતા અને સાંસારિક સુખ દુઃખથી પર રહીને જીવન જીવવાની કળા શીખવે છે. અંધશ્રદ્ધાને દરેકના જીવનમાંથી અળગી કરી સાચી શ્રધ્ધાની જ્યોત પ્રગટાવવા માઁના ભક્તોને પ્રેરણા પુરી પાડે છે. ભક્તોને તેમના કર્તવ્યનું ભાન થાય અને કર્મહીનતા છોડીને કર્મનિષ્ઠ અને ધર્મનિષ્ઠ બને એ માટે તેઓ હંમેશા પ્રયત્નશીલ રહે છે.
આજે પણ તેઓ પોતે આ તીર્થયાત્રા ધામમાં કર્તવ્ય કર્મ કરતા, નિયમિતપણે કર્મભક્તિ કરતા તેમજ કર્મયોગી બનીને દર્શનાર્થીઓને સત્ય ધર્મ અને કર્મનું માર્ગદર્શન આપતા જોવા મળે છે. એટલે કે તેઓ કર્તવ્યકર્મ, કર્મ ભક્તિ અને કર્મયોગ એમ ત્રણ સ્ટેપની ભક્તિ કરતા જોવા મળે છે. માઁને પ્રિય એવા સત્તર જેટલા વૈદિક સદ્દગુણોનું આચરણ કરીને પોતે જીવન જીવી રહ્યા છે અને બીજાને પણ એ રીતે જીવતા શીખવી રહ્યા છે. એવા કર્મયોગી સંતોષી માનવનું જીવન વિશ્વના દરેક માનવ માટે પ્રેરણારૂપ છે.
આજના વર્તમાન સમયમાં જયારે ધર્મ અને ભક્તિના સાચા મર્મને ઓળખવા માટે કરોડો લોકો જીવનભર અથડાતા રહે છે ત્યારે શ્રી મહાપાત્રએ અનેક સંઘર્ષનો સામનો કરી, અથાગ મહેનત કરી સત્ય, નિષ્ઠા, નિર્મળ ભક્તિ અને દિવ્ય આરાધના થકી શ્રધ્ધા અને ભક્તિનો એવો શ્રેષ્ઠ સંગમ રચીને લાખો શ્રધ્ધાળુઓને અંધશ્રદ્ધા છોડાવીને ઘર તરફ પાછા વાળીને તેમના ઘર મંદિર બનાવવા પ્રેરણા આપી છે. જેના થકી આજે અસંખ્ય લોકો પોતાના ઘરને એક પવિત્ર મંદિર બનાવીને આધિ-વ્યાધિ-ઉપાધિમાંથી મુક્તિ મેળવીને માઁની વિચારધારા અનુસાર જીવન જીવતા થયા છે.